ત્યાગ
tyag
અનિલ જોશી
Anil Joshi

પેલ્લા પગથ્યે મારી ઓળખ મે’લી
ને પછ બીજા પગથ્યે મેલ્યું ગામ.
ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં
ને ચોથા પગથ્યે મેલ્યાં કામ.
પાંચમા પગથ્યે આખો દર્યો મેલ્યો
ને પછ છઠ્ઠા પગથ્યેથી મેલી હોડી
સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં
ને આઠમા પગથ્યે મેલી કોડી.
નવમાં પગથ્યે મેલી વીતકની પોટલી
ઈને દસમે પગથ્યે જોઈ
ઈગ્યાર્મે પગથ્યે મેલ્યું વાચાનું ડોળિયું
ને બારમે પગથ્યે હું રોઈ.



સ્રોત
- પુસ્તક : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : અનિલ જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1981