marun to kani nakki nai! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારું તો કંઈ નક્કી નઈ!

marun to kani nakki nai!

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
મારું તો કંઈ નક્કી નઈ!
પારુલ ખખ્ખર

તમે અમારા ગામે આવી, નદીકિનારે હરજોફરજો, બીજા-ત્રીજાને હળજોમળજો... મારું તો કંઈ નક્કી નઈ!

શેરીનાકે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઈને આગળ વળજો.... મારું તો કંઈ નક્કી નઈ!

એક તમારા નામે દેરું,

એને છાંટ્યો રંગ મેં ગેરુ,

મૂરતને આભડિયો એરુ,

મૂરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ પીગળજો.... મારું તો કંઈ નક્કી નઈ!

આથમતા સૂરજની સાખે,

અજવાળે ઝાંખેપાંખે,

મારું ગામ નિસાસો નાંખે,

ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ ભરીને, એને વળગીને ઝળહળજો...

મારું તો કંઈ નક્કી નઈ!

અંતે કરજો લેખાંજોખાં,

કેવાં રૂસણાં, કેવા ધોખા,

ભેગાં તોયે નોખાં નોખાં,

ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, સથવારા તમને ફળજો... મારું તો કંઈ નક્કી નઈ!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.