he ishvar! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હે ઈશ્વર!

he ishvar!

મુકેશ જોશી મુકેશ જોશી
હે ઈશ્વર!
મુકેશ જોશી

તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

છાંયડાઓ પિવડાવી હિંમત મેં આપી

તેં તડકાથી ખૂબ એને માર્યો હતો

તેં એની કેડી પર ખીણ કોતરાવી

ઉપરથી ભભરાવ્યા પહાડ

મેં એને ભૂલવા ગીત એક આપ્યું

તેં છીનવી લીધો ઉપાડ!

સપનાંઓ કૂવામાં નાખવા જતો’તો

મેં દોડીને અધવચ્ચે વાર્યો હતો

તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

એના ભૂતકાળનું ખાલી ખાબોચિયું

ટાંપીને બેઠું’તું ઝાપટાં

તેં એની સામે કંઈ ડમ્મરીઓ ઉડાડી

ફરકાવ્યા રેતીના વાવટા

સૂરજ તું આપવાનું ભૂલી ગયો

વળી દીવોય એનો તેં ઠાર્યો હતો

તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

તારું છે રાજ તોય યાતના કરાવે છે

એક એક જણને ગુલામી

લાગતું નથી તને, તારી રચનામાં

નાનકડી કોઈ એક ખામી

તારે તો રમવું’તું એટલે તેં માણસને

ચોર્યાસી ભવમાં ઉતાર્યો હતો

તને આવો મેં કોઈ દિવસ ધાર્યો નો’તો

સ્રોત

  • પુસ્તક : કાગળને પ્રથમ તિલક (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સર્જક : મુકેશ જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1999