ewe malak - Geet | RekhtaGujarati

દોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં

ખૂટલ ખલકનો ઓછાયો હો જી!

પ્રીત કર્યા પછી જહીં પડદા ઢળાયા હો,

આચાર દંભથી જ્યાં છોવાયો હો જી!

દોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં

ઝૂલવાને વાયુ કેરાં પારણાં હો જી!

ઉષા ને સન્ધ્યાના જહીં ક્ષણજીવી રંગ નહીં,

કાળનાં જ્યાં અખંડ ઓવારણાં હો જી!

દોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં

જુદી જુદી હદુંના નિશાણો હો જી!

સળંગ બિછાવ્યો જહીં અભેદનો બૂંગણ ને

માથે રામ-તંબુ એક તણાણો હો જી!

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963