aynani jem— - Geet | RekhtaGujarati

આયનાની જેમ—

aynani jem—

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
આયનાની જેમ—
મનોજ ખંડેરિયા

આયનાની જેમ હું તો ઊભી'તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઈને

ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ

એના જોયાની વેળ એવી વાગે

છૂંદણાના મોર સાથે માંડું હું વાત

મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું

પડછાયો મારો હું ખોઈને

આયનાની જેમ હું તો ઊભી'તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઈને

એવું તે કેવું સિંચાતું નીર

મારા નામનાં સુકાય પાન લીલાં

લેતી શ્વાસ હવે એમ લાગે-

જાણે કે છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય

નથી જાણ થતી કોઈ દિવસ કોઈને

આયનાની જેમ હું તો ઊભી'તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઈને

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ