bhai re, aapna dukhanun ketalun jor? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

bhai re, aapna dukhanun ketalun jor?

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર.

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

ભારનું વાહન કોણ બની રહે નહિ અલૂણનું કામ,

આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન,

સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળ ફૂલ,

કોકડું છે પણ રેશમનું એવું ઝીણું વણાય દુકુલ :

નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,

આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધારઃ

આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2