કાળજાનો કટકો
kaaljaano katko
કવિ દાદ
Kavi Daad

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રડે જેમ વેળુમા; વીરડો ફૂટી ગ્યો-
કાળજા કેરો કટકો મારો...
છબતો ન'ઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો;
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો-
કાળજા કેરો કટકો મારો...
બાંધતી ન'ઈ અંબોડલો, ભલે હોય ઈ છૂટી ગ્યો;
રાહુ થઈ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો-
કાળજા કેરો કટકો મારો...
આંબલી પીપળ ડાળ બોલાવે, એકવાર સામું જો;
ધૂમકા દેતી જે ધરામાં, ઈ આરો અણોહરો-
કાળજા કેરો કટકો મારો...
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઠી ઊતરી ધીડી સૂરજ ડૂબી ગ્યો-
કાળજા કેરો કટકો મારો...
લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રયો :
જાન ગઈ જાણે જાન લઈ, હું તો સૂનો માંડવડો-
કાળજા કેરો કટકો મારો...



સ્રોત
- પુસ્તક : ટેરવાં (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : દાદુભાઈ પ્ર. ગઢવી
- પ્રકાશક : લોકસાહિત્ય પરિવાર પ્રકાશન
- વર્ષ : 1972