laDakDi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પીઠી ચોળી લાડકડી!

ચૂંદડી ઓઢી લાડકડી!

ચૂંદડીએ ધબકારા ઢાંક્યા

-ને કરમાં સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી!

કેમ કહું જાઓ લાડકડી!

તું શાની સાપનો ભારો?

-તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી!

રહેશે ના ઝાલી લાડકડી!

આછેરી શીમળાની છાયાઃ

એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!

આંખ ભરી પીધાં લાડકડી!

હીબકાંને હૈયામાં રૂંધ્યાં.

ને પારકાં કીધાં લાડકડી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004