chitaro - Geet | RekhtaGujarati

અજબ મિલાવટ કરી

ચિતારે રંગપ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં

જંગલ જંગલ ઝાડ;

ટપકે ટપકે ફૂટી નીકળ્યા

ધરતીપટથી પ્હાડ!

ઘટ્ટ નીલિમા નરી. ચિતારેo

જરાક ખંખેરી પીંછી ત્યાં

ફૂલને લાગી છાંટ;

ફૂંક મારતાં ફેલાયા શા

સાગર સાત અફાટ!

જલરંગે જલપરી! ચિતારેo

લૂછતાં વાદળપોતે ઊઘડ્યા

ઇન્દ્રધનુના રંગ;

રંગરંગમાં લીલા નિજની

નીરખે થઈને દંગ!

ચીતરે ફરી ફરી! ચિતારેo

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007