kranti zankhana - Geet | RekhtaGujarati

ક્રાન્તિ ઝંખના

kranti zankhana

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ક્રાન્તિ ઝંખના
ઝવેરચંદ મેઘાણી

મ્હારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય,

મ્હારી આતમ-જ્યોતના દીવડા ઝબુકી ઝંખવાય: –ટેક

ઝંપે જરી રોતાં લોચનિયાં ત્યાં ઝબકીને જાગી જવાય,

આધે આધે આછા યુગનર કેરા પડછાયા પથરાય રે

મહા વીર મોટા દરશાય: મ્હારીo

આભ લગી એનાં મસ્તક ઊંચા ને પગ અડતા પાતાળ,

જુગ જુગના જેણે કાળ વ્હલોવ્યા ને ડોલાવી ડુંગર માળ રે

ફોડી જીવન રૂંધણ પાળ: મ્હારીo

ઠપકો દેતી હસતી મૂરતી ઝળહળતી ચાલી જાય,

સ્વપ્ન સરે મ્હારે કાન પડે મ્હારા દેશની ઊંડેરી હાય રે

એનાં બંધન ક્યારે કપાય: મ્હારીo

ઘન ઘન અંધારાં વીંધણહારો જાગે કો ભડવીર,

ડરતાં ડરતાં ડગલાં ભરતાં તો વામન સરખાં શરીર રે

અણભીંજલ ઊભાં તીર: મ્હારીo

જરિક જરિક ડગ માંડતાં મ્હારી જનનીને ના વળે ઝંપ,

આવો વિપ્લવ! આવો જ્વાલામુખી! આવો રૂડા ભૂમિ કમ્પ રે

તોડો જીર્ણતા દારુણ થંભ : મ્હારીo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931