chhal - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ!

હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા

ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ!

કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ...

‘ઝૂલણ તલાવડીની ઓતરાદી કાંઠના

જળમાં જ્યાં ઢળી રહી ઝાંય,

કોરીધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને

અંગઅંગ ચોળીને ના’ય

જોવનનો રંગ કદી ઝાંખો પડે ઈનો

ડાળ ડાળ એવું સુડા બોલ્યા હો લાલ!’

કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ...

હોંશેહોંશે નીર ના'યાં ને ઓઢી જૈં

ચૂંદલડી ઝાંયમાં ઝબોળી,

ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે

રોમ રોમ પ્રગટી છે હોળી!

ભરમાયાં ભોળા અમીં, અમને શી જાણ માંહી

કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ!

કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ...

(૧૯પ૯)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000