કવિ ચકોરની લગની
kavi chakorni lagani
કેશવલાલ હ. ધ્રુવ
Keshavlal H. Dhruv

કવણ રસિકતા જાણશે
હૃદય રસિકની?
લગની કવણ પિછાણશે
હૃદય રસિકની?
કહીં ઇન્દુ સુધાસિન્ધુ ગગનમંડલે,
કહીં રંક પંખિ જ્યોતિઝંખિ ભૂતલે!
એ દિવ્ય જ્યોતિના ધ્યાને
એ અમૃત રસના પાને,
એ અમીટ મિટના તાને,
અતિદુર્ઘટ ઘટયોગ કવણ ઉર આણશે
સુભગ ભોગીનો?
લય શુચિ કવણ પિછાણશે
નવલ યોગીનો?
ઢળેલ અતિઘોર ઘારણ વિષે
બન્યૂં નર્યું અચેત ચેતન દિસે,
તમોમય જ છે:
તહિં દીન રસવિલીન,
રજનિગુહામહિં લીન,
એ ચકોરકેરિ સમાધિ,
મિટ ઝીણિ રસભીનિ સાંધી,
ચકચકતા તારલિયા ચકિતનયન નાણશે
બન્ધુ ઇન્દુના:
સહૃદય સંગિ પ્રમાણશે
સુધાસિન્ધુના.
હૃદયરસિકની તે જ રસિકતા જાણશે
રસિક હૃદયના:
તન્મયતા તે માણશે
પ્રણયિ પ્રણયના.



સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931