Chahera no chapati gulal - Geet | RekhtaGujarati

ચહેરાનો ચપટી ગુલાલ

Chahera no chapati gulal

મનહર જાની મનહર જાની
ચહેરાનો ચપટી ગુલાલ
મનહર જાની

તારા ચહેરાનો ચપટી ગુલાલ –

અને લાલ લાલ તડકો આ વહેલી સવારનો!

મોભારે હારબંધ ઘૂઘવે કપોત

બંધ ઓરડામાં રેશમની રાત,

હળુ હળુ વહેતા આ વાયરામાં તરવરતી

ક્યાંક ફૂલ ખીલ્યાંની વાત.

તારા લોચનનો શરમાતો છાક –

અને આંગણામાં ચીતરાતો જાસુદનો છાંયડો!

રેતીમાં ધસમસતા વહેણનો વળાંક

હજી કાંઠાની રાખે મરજાદ,

પાંદડીએ પાંદડીએ પડઘાતો ઘાસ અને

ઝાકળનો ઝીણો સંવાદ,

તારા સ્મિતભર્યા હોઠનો ઉઘાડ –

અને પોપચાંમાં અણસારો ઊઘડતા આભનો!

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ