ભૂલ પડે તો કહેજ્યો
Bhul Pade To Kahejyo
દાન વાઘેલા
Dan Vaghela

સાઈ! ભૂલ પડે તો કહેજ્યો!
બાવન બ્હારી રમત રમાડી ત્રેવડ જીતની દેજ્યો!
શબ્દબ્રહ્મની ચોપાટ્યુંમાં હરપળ હાજર રહેજ્યો!
સાઈ! ભૂલ પડે તો કહેજ્યો!
ચોઘડિયામાં સળ પાડ્યાં છે;
ઝાકળમાં અત્તર ઢાળ્યાં છે!
વાચાનું ફુલેકું ઊઘડ્યું –
એમ ભીતરને ખંગાળ્યાં છે!
મોઘમ તક જ્યાં બને બ્હાવરી –
તુરંત ઝકડી લેજ્યો!
સાઈ! ભૂલ પડેતો કહેજ્યો!
અલબેલી છે શરત હવાની;
ઇચ્છાની શગ તેજ થવાની!
હમચી ખૂંદે માછલી જળમાં –
એમ પાલખી ઊંચકવાની!
સાવ ભરોસે શઢ છોડ્યા છે –
સુકાની પદ સ્હેજ્યો!
સાઈ! ભૂલ પડે તો કહેજ્યો!



સ્રોત
- પુસ્તક : આર્ષમય (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : દાન વાઘેલા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2017