ratwan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાતાં પીળાં ઝાડ તળેથી દોડે કાળી વાટ

આંગળીવેઢા ગણવા બેઠી વનમાં ઢાળી ખાટ

હવા આવતી દડબડ દેતી પગલું પીપળપાન

રાતરાણીની વાસ હવાને સુણે માંડી કાન

એક એકથી બમણા ઊંચા આભે પૂગ્યા તાડ

તરડાઈને ક્ષિતિજ તૂટી સિંહે પાડી ત્રાડ

સુકાયેલા પાન તળેથી જાણે નાગણ સરે

અંધારામાં ઝાંખા ઝાંખા ભયના ઓળા ફરે

ચટાક દઈ ઊડનારું ઘુવડ નભનું અસ્તર ચીરે

રાત ઊતરતી ધીરે ધીરે ધીરે ધીરે ધીરે

કીડી એક્કેક અંધારાના કણને દરમાં લાવે

બાવળથી ડોસીની ડાકણ પાછી ઘરમાં આવે

હરણાંફાળે આવી મરડ્યો વાઘણ કેરો કાન

એક ધડાકે સવળી ઊઠયું આડું ઊભું રાન

દરિયામાં સોનાનું ઈંડું ચકલાંચાંચે તૂટે

આમલીએ ભૂતે બાંધેલી રાત બિચારી છૂટે

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2