sakhiri 1 - Geet | RekhtaGujarati

સખીરી-૧

sakhiri 1

સંજુ વાળા સંજુ વાળા
સખીરી-૧
સંજુ વાળા

સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

તરંગ લિસોટે પડી છાપ તો

ઘટના પળ બે પળની

સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત : પવનનાં પગલાં

તરતા નર્યાં સપાટી ઉપર જી...રે

સ્પર્શે ઊગે-સ્પર્શે ડૂબે

નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે

પરગટ પારાવાર ’ને નીંભર

ટેવ પડી ટળવળની

સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળભળતું

એકાન્ત ટકોરા મારે લીલા

જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને

કહેવાશે અટકળિયા ચીલા

ભાવગત્ અક્ષરિયત ’ને

છળમય ભાષ તળની

સખીરી, કેંમ ઉકેલું લિપિ જગની

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (1950-2010) (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : કમલ વોરા, પ્રવીણ પંડ્યા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2017