ભાભીનું ગીત
bhaabhiinun geet
યોગેશ પંડ્યા
Yogesh Pandya
વૈશાખી વેળ એમાં ઊંડી છે નેળ એમાં ભાભીની ચૂંદલડી ઊડે,
રોંઢાના ભાતની વાટ જોતા ભઈ પછી ભાભીના સપનામાં ડૂબે.
આંખો મીંચે ને રાત સપનામાં મહોરે,
બપ્પોરી વેળાએ અંધારું ફોરે,
લળી પડે ઘૂઘરીયું કેડના કંદોરે,
આંબલી ને પીપળી ના ઘેઘૂર શા છાયામાં ભઈલાની નીંદર જો બૂડે...
અધકચરી ઊંઘને આછો અણસાર,
દૂર ક્યાંક ઝાંઝરીનો આછો ઝણકાર,
ખૂલી ગ્યાં પોપચાં ને સપનું પોબાર,
ઝાંપલીની કાંખમાં જાંબૂડો ,ભઈલાની નજર્યું ગઈ સીધી જાંબુડે...
આઘે કળાય કોઈ મનગમતું જણ,
ભઈલાની આંખમાં ઊગ્યાં દર્પણ,
બંનેના હૈયામાં થાતું રણઝણ...
કેવડા-શી કાયને નીરખીને ભાઈની નજર્યું ઠરી છે બેય ચૂડે!
આંબાના છાંયડામાં ખાટલો ઢાળી,
પોચી હથેળીને લીધી સંભાળી,
માથે ઝૂકે છે એક આંબલાની ડાળી,
સાખું પડેલ એક કેરીને જોઈને નજર્યું માંડી છે એક સૂડે!
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ડિસેમ્બર 2024 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન