સોપો
sopo
ઊજમશી પરમાર
Ujamshi Parmar
શું ચીતરવું કૅનવાસ પર, અકળ મથામણ કોરે
ઊડઝૂડ અંધારાં કોતર મનસા-પીંછી દોરે.
ગુફા ગહન જે શરૂ થતી પણ છેડો ના વરતાતો,
ગર્યા પછી પાછા વળવાનો રસ્તો ઑઝલ થાતો;
વચ્ચે પગમાં અફળાતો અજગર કાયા સંકોરે.
ધરા આવડી મેલી પેઠો કળણ-કૂવામાં શાને?
અવડ ભેજનો કાચીંડો ચપ ગળી જતો તડકાને
અવાવરું અંધાપો પસરે અહીંયા ખરા બપોરે.
અચલ ઘુવડની આંખો જાણે કોને ત્રાટક કરતી,
રડીખડી ઘટના સંચળનું બેડું લઈ સંચરતી,
સોડ તાણતો સૂરે સોતો સળંગ આઠે પ્હોરે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૬ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998