રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહારા થૈને થાક્યા જીવલા, હેંડ્ય્ હવે બગડી જૈયે!
ઊંચા ભાવે ખૂબ ઠગાણા, હેંડ્ય્ હવે ગગડી જૈયે!
ચાખડીઓ થૈ ચરમ દલાર્યા
પંચામ્રત થૈ તરપ્યા,
દીપ - ફૂલ - ચંદન ઓવાર્યા
તોય સરગ ના ધરપ્યાં,
ગાડી નરકની ચૂકશું ટણપા, હેંડ્ય ચડપ પકડી લૈયે!
–હારા.
કર્યા હોજરાં ખાતર, જીવલા!
પેટ વલોયાં ઊણાં,
પાડ્યાં તનનાં તેલ બાપલા!
કરમ પડ્યાં ન કૂણાં,
પત્યું! હવે તો ફોલ્લા થૈ ને હેંડ્ય અલ્યા તતડી જૈયે!
–હારા.
હાલ્લા થ્યા, ને ફૂટ્યા, લલવા!
નળિયાં થ્યા, ને ચૂયા,
કદી કોડિયાં થયા કજળવા,
ઈંટ્યો થૈ રૂંધાયા,
હેંડ્ય્ હવે તો પકવનાર પાકે એવું ભભડી જૈયે!
–હારા.
સ્રોત
- પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : યોસેફ મૅકવાન
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
- વર્ષ : 2007