panje watanji galyun - Geet | RekhtaGujarati

પાંજે વતનજી ગાલ્યું

panje watanji galyun

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
પાંજે વતનજી ગાલ્યું
સુંદરજી બેટાઈ

પાંજે વતનજી ગાલ્યું,

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

દુંદાળા દાદાજી જેવા ડુંગરા,

ઉજ્જડ છે દેખાવે ભૂંડા ને ભૂખરા:

બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું. અનેરીo

પાદરની દેરીપે ઝૂકેલા ઝુંડમાં,

ભર્યે તળાવ, પેલા કૂવા ને કુડમાં:

છોટપણું છંદમાં ઉછાળ્યું, અનેરીo

પેલી નિશાળ જેમાં ખાધી'તી સોટિયું,

પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટિયું:

કેમે ભૂલાય કાનઝાલ્યું? અનેરીo

બુઢ્ઢા મીઠીમા, એની મીઠેરી બોરડી; ૧ર

ચોકી ખડી-એની થડમાંહે ઓરડી!

દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડીઃ

બોર ભેળી ખાધી'તી ગાળ્યું. અનેરીo

બાવા બજરંગીની ઘંટા ગજાવતી, ૧૬

ગોમી ગોરાણીની જીભને ચગાવતી,

ગોવા નાવીની છટાને છકાવતી,

રંગીલી, રંજીલી ગાલ્યું. અનેરીo

વ્હાલભર્યા વેલાંમા, ચંચી ચીકણી, ર૦

તંતીલી અંબા ને ગંગુ બીકણી,

શ્યામુ કાકાની ધમકીલી છીંકણી,

જેવું બધું ગયું હાલ્યું. અનેરીo

છોટી નિશાળેથી મોટીમાં ચાલ્યા, ર૪

પ...ટપ....ટ અંગરેજી બોલ બે’ક ઝાલ્યા,

ભાઈ ભાઈ કહેવાતાં અકડાતા હાલ્યા:

મોટપણું મ્હોરન્તું મ્હાલ્યું. અનેરીo

(તા. ર-૬-પ૩)

સ્રોત

  • પુસ્તક : તુલસીદલ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : સુંદરજી બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2021