અષ્ટનાયિકા : અભિસારિકા
Ashtanayika : Abhisarika
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
પ્રિય, હું છાનીછપની આવું,
ઓઢીને અંગે અંધારું રાત રસીલી લાવું...
મુગ્ધ મરાલ સમી હું સરતી,
મંદ સુગંધ બની રહું તરતી;
જાણું ના આલિંગન, ઊંડે અંતરમાં જ સમાવું...
ચંદનચર્ચિત ઉરઅભિલાષા,
નયન નીતરે મધુમય ભાષા;
અણધાર્યો જાગીને જોતો ઝાંખો દીપ બુઝાવું...
સહજ સલૂણી સેજ સુહાગી,
મિલનોત્સુક મન્મથ અનુરાગી;
હું ને તું છોડી સહિયારો સંગ અનંત કરાવું...
સ્રોત
- પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : ઉત્પલ પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023
