nawi warsha - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,

નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે.

મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે.

મારાં લોચનમાં મદઘેન ભરે.

વન-છાંય તળે હરિયાળી પરે

મારો આતમ લ્હેર-બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે.

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે,

રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઊંચી મેઘ-મહોલ અટારી પરે!

અને ચાકમચૂર બે ઉર પરે

પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે!

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે!

એની સૂનમાં મીટ સમાઈ રહી,

એની ગાગર નીર તણાઈ રહી,

એને ઘેર જવા દરકાર નહીં.

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે!

વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,

શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે

આજે મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,

નવ બાદલને ઉર આગ બૂઝે,

નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,

ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

(1944)

રસપ્રદ તથ્યો

કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલુઃ અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઈ છે.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997