mani yaad - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા

કાનમાં ગણગણ થાય;

હતુતુતુની હડિયાપાટીમાં

માનો શબદ સંભળાય-

મા જાણે હીંચકોરતી વઈ ગઈ,

હાલાંના સૂર થોડા વેરતી ગઈ. -કોઈ દી.

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં

સાંભરી આવે બા-

પારિજાતકની મીઠી સુગંધ લઈ

વાડીએથી આવતો વા,

દેવને પુજતી ફૂલ લૈ લૈ

મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ. -કોઈ દી.

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી

આભમાં મીટ માંડું;

માની આંખો જાણે જોઈ રહી છે મને

એમ મન થાય ગાંડું.

તગમગ તાકતી ખોળલે લૈ,

ગગનમાં દૃગ ચોડતી ગૈ.

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ.

(1944)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 258)
  • વર્ષ : 1997