anjwasi andharan - Geet | RekhtaGujarati

અંજવાસી અંધારાં

anjwasi andharan

વ્રજલાલ દવે વ્રજલાલ દવે
અંજવાસી અંધારાં
વ્રજલાલ દવે

ગલ તો ખીલ્યો ને સૂરજ સાંચર્યો,

પંખીએ ઠેલી સંઝ્યાઝાંય,

રઝળે રેઢાં મારાં નેણ ક્યાં?

દીવડો દીવાલે પછડાય

ઘાટા રે અંધારાં મુજને ઘેરતાં.

પ્હેલે તે પ્હોરે ફોરે આભલે

અધબીડી ગોઠડિયાળી આંખ,

ઠરતી ચંદાએ નેણાં ભીંજવ્યાં

રમતી ડોલરવરણી રાત

ઘાટાં રે અંધારાં મુજને ઘેરતાં.

બીજે રે પ્હોરે લ્હેરે જામની

વાવમાં પદમણીની પ્રીત,

દૂઝતી ભેડાને ભેટી ભીનલા

છાનાં ભવજળનાં ગીત

ઘાટાં રે અંધારાં મુજને ઘેરતાં.

ત્રીજે રે પ્હોરે પોઢે વાટડી,

પોઢે નદિયુંનાં નીર

કોરી રે વેળુએ કંથા પાથરી,

વેલ્યુંએ તાણ્યાં છે મલીર

ઘાટાં રે અંધારાં મુજને ઘેરતાં.

ચોથે રે પ્હોરે ઝળંક્યો તારલો,

ઊતર્યાં અંજવાસી પૂર

કાગાની નિંદરે પ્રથમીપોયણી

પીતી છેલવહેલા સૂર

ઘાટાં રે અંધારા મુજને ઘેરતાં.

સ્રોત

  • પુસ્તક : અનંત એકાન્તે (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1996