અહીં તહીં મથવું રે
anhi tanhi mathvu re
નર્મદ
Narmad
નર્મદ
Narmad
(પદ)
અહીં તહીં મથવું રે, મથતાં રંગ મચે જી.
ધૂંધવાતી ધીરજથી તનડું, બગડી જાયે વ્હેલું;
મથવામાં મન જાય તેથી કહું શોકને આઘે ઠેલું.
મથતાં મથતાં કોઈ સમે ૫ણ, જુદ્ધ મચે બહુ જબરું;
જેમાં ઘૂમતાં હરી ઇચ્છાએ, કર્મ કપાયે કપરું.
ધામધૂમ બહુ જુદ્ધતણી તે ગવાય ગામે ગામે;
ઉત્સુકતા ઉદ્યમ વાધેથી, શકુન આશ શુભ જામે.
સકળ જંન જ્યાં એક સંપમાં એક ઉદ્દેશી થાયે;
સાહિત ત્યાં મળી આવે સ્હેજે, થાય પ્રભુ પણ સાહે.
સ્વતંત્રતાનો માનતણો ને ધર્મતણો જોસ્સો એ;
ત્રંણથી મોટા ફેરફાર થઈ, રંગ ઘણેરા સોહે.
હાય નથી એમાંનો એકે, હવે શી કરવી આશા;
ત્રણે થાય પ્રદીપ્ત ત્યાં કેમ, પડે ન સવળા પાસા.
માટે કહે નર્મદ દેશીને, જોસ્સા ઊંચ વધારો;
મથો શોધવા પ્રસંગ જેથી, ફર્યો પેખશો દહાડો.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
