andhkar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંધકાર ગરવાનો રૂખડો બાવો,

કે અંધકાર વાંસવને વાયરાનો પાવો.

અંધકાર ગરબામાં જોગણીના ઠેકા,

કે અંધકાર ડુંગરામાં મોરલાની કેકા.

અંધકાર મેલડીના થાનકનો દીવો,

કે અંધકાર આંખડીની પ્યાલીથી પીવો.

અંધકાર સૂતો સૂરજની સોડે

કે અંધકાર જાગ્યો ઉજાગરાની જોડે.

અંધકાર વૃંદાવન વાંસળી વગાડે,

કે અંધાકર અટવાતો રાધિકાની આડે.

અંધકાર પાટીમાં ચીતરેલ મીંડું,

કે અંધકાર સોનાના ખેતરમાં છીંડું.

અંધકાર વ્હેલા પરોઢિયાનું શમણું,

કે અંધકાર નમતું તારોડિયું ઊગમણું.

અંધકાર જોગીની ધૂણિમાં રખિયા,

કે અંધકાર પાણીના પોત પરે બળિયા.

અંધકાર દાદીની વારતાનો દરિયો,

કે અંધકાર બાળકને હાથ ફરે ગરિયો.

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 78)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964