andharu - Geet | RekhtaGujarati

અંધારું પીળું આકાશ નહીં બાલમા

અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ

અધારું બાવળનું ફૂલ નહીં બાલમાં

અંધારું સુંવાળી સમણાંની શૂલ

અંધારું આંખોમાં આંજ્યું અંજાય

એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા

અંધારું પીળું આકાશ નહીં બાલમા

અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ

અંધારું ચમકે જે આંખ મહીં મધરાતે

અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે

અંધારું કાળું ગુલાબ મારા બાલમા

અંધારું આપેલો કોલ મારા બાલમા

અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા

અંધારું સુંવાળી સમણાંની શૂલ

અંધારું કોયલનું ટોળું નહીં બાલમા

અંધારું સોનાનો સુંવાળો સૂર

અંધારું કૂતરાનું ભસવું નહીં બાલમા

અંધારું મૌન તણું ધસમસતું પૂર

અધારું માગો તો આપ્યું અપાય

એને ભાંગો તો ભાંગ્યું ભંગાય મારા બાલમા

અંધારું પીળું આકાશ નહીં બાલમા

અંધારું કાળું ગુલાબ મારા બાલમા

લીમડામાં સૂસવતું ઝૂલે તે અંધારું

સુગરીના માળામાં લટકે તે અંધારું

અંધારું ફૂલોની છાબ મારા બાલમા

અંધારું પાળેલો બોલ મારા બાલમા

અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા

અંધારું સુંવાળી સમણાંની શૂલ

અંધારું અટવાતું તારા આશ્લેષમાં

અંધારું ગૂંચવાતું છૂટેલા કેશમાં

અંધારું આપણો સંગ નહીં બાલમા

અંધારું વિરહવેરાન મારા બાલમા

અંધારું! સૂરજ શું ઊગે નહીં બાલમા

અંધારું લૂંટાયું ચેન મારા બાલમા

અંધારું પીળું આકાશ નહીં બાલમા

અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ

અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા

અંધારું સુંવાળી સમણાંની શૂલ

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989