amtha amtha - Geet | RekhtaGujarati

અમથા અમથા અડ્યા

કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા

હતા અમે તંબૂર;

ખટક અમારે હતી, કોઈ દી

બજવું નહીં બેસૂરઃ

રહ્યા મૂક થઈ, અબોલ મનડે

છાના છાના રડ્યા

કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઈ ગયા વીતી ને

ચડી ઊતરી ખોળ;

અમે કિંતુ રણઝણવાનો

કર્યો કદીયે ડોળઃ

અમે અમારે રહ્યા અઘોરી,

નહીં કોઈને નડ્યા

કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમારે ગયા અચાનક

અડી કોઈના હાથ;

અડ્યા કેવળ, થયા અમારા

તાર તારના નાથઃ

સૂર સામટા રહ્યા સંચરી,

અંગ અંગથી દડ્યા

કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે

રહે મૂક આમ હૈયું:

સુરાવલી લઈ કરી રહ્યું છે

સાંવરનું સામૈયું:

જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી

જોતે જોતે જડ્યા

કે અમને રણઝણ મીણા ચડ્યા.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 455)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007