amne guru malya chhe garwa - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમને ગુરુ મળ્યા છે ગરવા

amne guru malya chhe garwa

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
અમને ગુરુ મળ્યા છે ગરવા
મનુભાઈ ત્રિવેદી

અમને ગુરુ મળ્યા છે ગરવા-

એના શબદ ગયા સોંસરવા:

અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,

ઝમ્યા નેહ મેઘરવા;

ટીપે ટીપે ધાર ઝવી, એને

ઝીલી થયા અમે નરવા.-

અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે

બાંધ્યા ચિત્ત ચંદરવા;

મન માંડવડે મનહર જ્યોતિ

જળી રહી તમ હરવા.-

અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,

મોંઘે મોત મરવાં;

સદ્ગુરુ, અમને જુગતિ બતાવો

પંડ પાર પરવરવા. -

અમને ગુરુ મળ્યા છે ગરવા.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 456)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007