ame andharun shangaryun - Geet | RekhtaGujarati

અમે અંધારું શણગાર્યું

ame andharun shangaryun

પ્રહ્લાદ પારેખ પ્રહ્લાદ પારેખ
અમે અંધારું શણગાર્યું
પ્રહ્લાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,

હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજo

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને

ધરતીએ મેલીને દીવા,

ફૂલોએ ફોરમને આલી આલીને એનું

અંગેઅંગ મહેકાવ્યું! હો આજo

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા

ખળખળ ખળખળ બોલે:

ધરણીના હૈયાના હરખે જાણે આજ

અંધારાનેયે નચાવ્યું! હો આજo

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,

આસમાન ખીલી ઊઠ્યું:

ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં

અંધારું આજે રંગાયું! હો આજo

થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને

ચાંદાનાંયે વ્રત થાતાં,

આનંદઘેલા હૈયે અમારા આજ

અંધારાનેયે અપનાવ્યું! હો આજo

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 351)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007