alla beli! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અલ્લા બેલી!

alla beli!

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
અલ્લા બેલી!
સુંદરજી બેટાઈ

અલ્લા બેલી, અલ્લા બેલી,

જાવું જરૂર છે,

બંદર છો દૂર છે!

બેલી તારો બેલી તારો,

બેલી તારો તું છે,

બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,

મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;

તારા હૈયામાં જો સાચી સબૂર છે,

છોને દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,

તારી નૌકાનેયે દૈતી ઝાટકા;

મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;

બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે રાતડી,

ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;

તારી છાતીમાં જુદેરું કો શૂર છે

છોને દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,

જાવું જરૂર છે,

બંદર છો દૂર છે!

બેલી તારો બેલી તારો,

બેલી તારો તું છે,

બંદર છો દૂર છે!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021