aeii vhaaliidaa - Geet | RekhtaGujarati

એઈ વ્હાલીડા

aeii vhaaliidaa

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
એઈ વ્હાલીડા
રાજેન્દ્ર શાહ

એઈ વ્હાલીડા! સાંભળી લેજે સાદ,

અંગ મારાંને વીંટળાયો છે નાગ;

ઝેરની એનાં જીરવી જાય આગ,

મોવરમાં ધર મંતરનો કોઈ રાગ;

નહિ તો એલા જિન્દગી લગી મેલજે મોરી યાદ...

વ્હાલીડા સાંભળી લેજે સાદ...

સાંભળી લીજે સાદ સાજન! પડઘો પાડે વન;

એક વેળા આંખથી તુંને જોઈ લેવાનું મન.

આકળી મારી આંખ ભમે રે ચંતને યે ન્હૈ ચેન,

મારણ એવી નીંદનું મુંને આવતું ઘેરું ઘેન,

રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન;

એક વેળા આંખથી તુંને જોઈ લેવાનું મન.

વેણ ઝીલીને વાયરો વહી જાય છે ચારેકોર,

પળની સરે પ્હોર, તોયે આવતો ઓરો મોર;

માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે જોવન;

એક વેળા આંખથી તુંને જોઈ લેવાનું મન.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 48)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ