aDhlak tej - Geet | RekhtaGujarati

અરે, હા,

કહી કહીને કહે કેટલું, છેવટ થાક્યા, ઊઘડશે હમણાં જ,

હવે દેખાશે પણ, મીટ માંડ તું સહેજ.

જલના દલમાં જડ્યું નહિ ગોતી લેવા

જાઉં છેક હું, જોઉં ઊંડા તળમાં,

ઊંડાણે અંધારે ઉલેચું, બહાર નીકળું એવામાં

ફુત્કાર કરે કોણ કમળમાં!

તટ પર આવું, મૂઠી ખોલું, ખાલી ભાળું, બહુ વિમાસું,

મલકીને બોલ્યા ત્યાં તો અરે, હા, જ!

રિક્ત હથેળીમાં શું ઊઘડ્યું, શું બિડાયું, ક્યાં દેખાયું,

મીટ માંડી ત્યાં આવી ગ્યું એક ઝોકું,

ઝબાક ઝોલો ચઢ્યો અને નીંદરની ઊતરચડ જે

મચી રહી તે એને કેવી રીતે રોકું?

આંખ બાપડી શું કંઈ દેખે, ક્યાંથી પેખે, સામે આવ્યાં

ધસમસતાં અઢળક તેજ!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2016 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન
  • વર્ષ : 2016