diwo bale ne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીવો બળે ને....

diwo bale ne

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા

આસપાસ મોજાંને તોય હું કોરી, માલમજી!

ગોતું મળવાની વેળ કયાંય ઓરી, વાલમજી!

રોજ ઉલેચે આંખ્યનાંય કૂંડાં, માલમજી!

જોણું છીછરુને દરિયા ઊંડા, વાલમજી!

પગ પખાળી ફીણ પાછાં ભાગે, માલમજી!

અડ્યાં હોઈ જરીક ઈમ લાગે, વાલમજી!

ઓલ્યું સખ તો સૂંડામાં ભર્યું પાણી, માલમજી!

થોડું ભીંજ્યાં ત્યાં સઢ ગયા તાણી, વાલમજી!

ગૂંથું સાડીમાં રાત્યુંની રાત્યું, માલમજી!

તારે પગલે ભભકશે ભાત્યું, વાલમજી!

વાવડો પાંપણ મળે ને રીડ્ય પાડે, માલમજી!

ઓલી નાળિયેરી તાળિયું પાડે, વાલમજી!

હું તો તડ્યમાં તાકું ને પડું ભોંઠી, માલમજી!

ગયું આંખ્યે ઉજાગરાને ગોઠી, વાલમજી!

મારો દીવો બળે ને પાડે કેડી, માલમજી!

લાવ્ય, વા’ણને દશમાં તેડી, વાલમજી!

સ્રોત

  • પુસ્તક : અડોઅડ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1972