આવ, તને હું આંખમાં આંજું
Aav, Tane Hu Ankhma Anju
મયુરિકા લેઉવા
Mayurika Leuva
મયુરિકા લેઉવા
Mayurika Leuva
આવ, તને હું આંખમાં આંજું
ગામ વચાળે બાથ ભરું તો કેટલી લાજું?
કંકુવરણો સૂરજ ચોડ્યો ભાલે મેં તો
ઘસ્યું ગુલાબી સંધ્યાવાદળ ગાલે મેં તો
પગમાં બજતું ખળખળતાં ઝરણાંનું વાજું
આવ, તને હું આંખમાં આંજું.
આવ, તને દઉં કાજળઘેરી રાતો મારી
વહી ગયેલી કાળ નદીની વાતો ખારી
પાંપણજળની ધારે સઘળાં સંસ્મરણોને માંજું
આવ, તને હું આંખમાં આંજું.
સરસર વાતી લહેરીઓ સંગાથે કીધું
કહેણ સરકતી કાગળહોડી સંગે દીધું
ઝરમર વરસું, આંખોથી તો કેટલું ગાજું?
આવ, તને હું આંખમાં આંજું.
સ્રોત
- પુસ્તક : લેખિની : જાન્યુઆરી, 2024 (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : પ્રીતિ જરીવાલા, ગીતા ત્રિવેદી
