આશનો દોરો
aashno doro
દિલીપ જોશી
Dilip Joshi

સાંઢણી રણમાં ડૂબતી ગઈ… ડૂબતી ગઈ… ડૂબતી ગઈ…
એમ અચાનક જીવમાં તારેતાર ઝબોળી
આશનો દોરો તૂટતો ગયો… તૂટતો ગયો… તૂટતો ગયો...
ઉર જલાવી ઝળહળાવ્યાં આંખનાં રતન!
ડગલે-પગલે હડસેલાતું હસતું વદન!
સાત ભવોનો સાથ ઘડીમાં સ્મરણો દોથાદોથ દઈને
છૂટતો ગયો… છૂટતો ગયો…… છૂટતો ગયો..…
હોય રે ક્યાંથી જોષીડાના જુઠ્ઠા શબદ?
એક ઘડીમાં શમતાં નથી ભવનાં દરદ!
ફરફોલાઓ ફૂલના પડે એટલા જખમ જન્મારામાં
મૂકતો ગયો… મૂકતો ગયો… મૂકતો ગયો..…
મ્હેલ-મિનારા ધૂળ કે જેમાં કૈં ન ધબક!
રેત ઉપરના મોભમાં કેવી ચમક-દમક!
હળ્યામળ્યાના ઓરતા આઠે પ્હોર ઓઢાડી શ્વાસનો કેડો
ખૂટતો ગયો... ખૂટતો ગયો... ખૂટતો ગયો...



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : મે ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન