આશાનો વીંઝણો
aashaano viinjhano
મૂળજીભાઈ પી. શાહ
Mooljibhai P. Shah

[ઢાળ : સરોવરે પાણીડાં ગઈ'તી, સાહેલડી!]
આશાનો કોઈ એક વાતું'તું વીંઝણો,
સૂની વસન્તની કો સાંજે જી રે :
એકલી અબોલ હું તો ઝૂલંતી કુંજમાં,
અંતરમાં પ્રેમ-બંસી બાજે જીરે : આશાનો૦
એવું અદીઠું કોઈ વાતું'તું વીંઝણો,
શોધન્તાં નેન મ્હારાં એને જી રે :
રમણે ચડન્ત ઉર આશાને વીંઝણે,
છૂપીને વાયુ ઢોળે શેને જી રે : આશાનો૦
મીચન્તાં નેન ઘડી અંતરિયું દોડતું,
દૂરના પ્રદેશે કોઈ ઘૂમે જી રે :
એવા અદીઠને અંતરિયે દીઠડું
દૂરે રહીને ચિત્ત ચૂમે જી રે : આશાનો૦



સ્રોત
- પુસ્તક : રાસપદ્મ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : મૂળજીભાઈ પીતામ્બર શાહ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1937