aash - Geet | RekhtaGujarati

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી

ગગને ગોરંભાયો મેહુલો,

વરસી વાદળી જાય જી;

શામાં રે ઝીલું હું પાણી બાવરો,

ખોબે છલકાતું જાય જી;

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ખીલતી વસંતની વાડીએ,

આવ્યો ફુલડાંનો ફાલ જી;

કેમ રે ચૂંટું હું ફૂલ આવડાં?

છલકે ધરતીની છાબ જી;

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,

દૂર ઊઘડે ઉજાશ જી;

શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,

તૂટે તોયે ના આશ જી;

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004