Aana Aavya Re Saiyar - Geet | RekhtaGujarati

આણાં આવ્યાં રે સૈયર!

Aana Aavya Re Saiyar

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
આણાં આવ્યાં રે સૈયર!
લાલજી કાનપરિયા

ઝાડ ઉપર ઝૂમખડું, ઝૂમખડું લૂમેઝૂમે

આણાં આવ્યાં રે સૈયર!

તોરણ ગૂંથ્યું ફૂલ, ફૂલમાં ગૂંથ્યું ગમતું નામ

ઉંબર વચ્ચે ઊભી રહી હું ભૂલી સઘળું કામ.

આજ બારણે લાભ-શુભની વેલ્યું લૂમેઝૂમે

આણાં આવ્યાં રે સૈયર!

અચરજ જેવું ટાણું ઘરમાં હરતુ ફરતું મ્હાલે

દર્પણમાંથી ફૂટી નીકળતું કોઈ અચાનક ઝાલે!

છાતી ઉપર અનરાધારે આખ્ખું આભ ઝઝૂમે

આણાં આવ્યાં રે સૈયર!

દાદાજીના આંબલિયેથી ખરશે કૂણું પાન

પિયરથી સાસરના રસ્તે ખોઈ નાખશું ભાન

ચૉળી–ચણિયાળી ટચૂકડી છબિ આંખમાં ઘૂમે

આણાં આવ્યાં રે સૈયર!

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ