parmeshwarna rastani garbi - Garbi | RekhtaGujarati

પરમેશ્વરના રસ્તાની ગરબી

parmeshwarna rastani garbi

દલપતરામ દલપતરામ
પરમેશ્વરના રસ્તાની ગરબી
દલપતરામ

જો પ્રભુનો મારગ પૂછો રાજ, વસ્તો રસ્તો સસ્તો છે,

નથી આડો અવળો ઊંચો રાજ, વસ્તો રસ્તો.

છે સૂત્ર બરાબર સીધો રાજ, વસ્તો રસ્તો.

કરતારે સહેલો કીધો રાજ, વસ્તો રસ્તો.

નથી ખેતર ખાડા ખઇયા રાજ, વસ્તો રસ્તો;

નથી પર્વત આડા પડિયા રાજ, વસ્તો રસ્તો.

નથી કંકર ગોખરું કાંટા રાજ, વસ્તો રસ્તો;

નથી આડા અવળા આંટા રાજ, વસ્તો રસ્તો.

નથી પથરા કાદવ પાણી રાજ, વસ્તો રસ્તો;

ત્યાં દાણ લે કોઈ દાણી રાજ, વસ્તો રસ્તો.

નથી ઝુકી ભયંકર ઝાડી રાજ, વસ્તો રસ્તો;

નહીં જોઈએ ઘોડાં ગાડી રાજ, વસ્તો રસ્તો.

નહીં તાપ તપે મેહ વરસે રાજ, વસ્તો રસ્તો;

નહીં ઠંડક પડે તન ઠરશે રાજ, વસ્તો રસ્તો.

તો ખુબ બન્યો છે ખાસો રાજ, વસ્તો રસ્તો;

નહિ વાઘ વરુનો વાસો રાજ, વસ્તો રસ્તો.

વિશ્વાસ વળાવો લેવો રાજ, વસ્તો રસ્તો;

એક દામ પડે નહિ દેવો રાજ, વસ્તો રસ્તો.

લઈ સત્ય દયાને સાથે રાજ, વસ્તો રસ્તો;

ધરી ઈશ્વર આશા માથે રાજ, વસ્તો રસ્તો.

તમે ચોંપ કરીને ચાલી રાજ, વસ્તો રસ્તો;

મનગમતા મારગ ઝાલો રાજ, વસ્તો રસ્તો.

તમે સિધાવજો શુભ કામે રાજ, વસ્તો રસ્તો;

કહી દીધો. દલપતરામે રાજ, વસ્તો રસ્તો.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008