kajoDun –swbhawanun - Garbi | RekhtaGujarati

કજોડું –સ્વભાવનું

kajoDun –swbhawanun

બેહેરામજી મેરવાનજી મલબારી બેહેરામજી મેરવાનજી મલબારી
કજોડું –સ્વભાવનું
બેહેરામજી મેરવાનજી મલબારી

(ગરબી)

ચાલી મારી ઝુફતી જુવાની રે,

પચીસે જ વળતાં પાણી રે; – ચાલી. (ટેક)

કજોડાંનાં દુઃખનો ન આરો રે, વાંક નથી એનો કે મારો રે;

સમજુ હું છું, એ પણ શાણી રે; – ચાલી મારીo ૧

સ્વભાવમાં ફેર ઘણો મ્હોટો, બન્નેનો તેથી જન્મ જ ખોટો;

સુણો એ કજોડાંની કહાણી રે; – ચાલી મારીo ર

પરણ્યાં અમે રાજીખુશી થઈને, એકેકની સમ્મતિ લઈને;

જરીયે ન આનાકાની રે; – ચાલી મારીo ૩

પણ એ ધીરી, હું ઉતાવળો ભારે; હું સાઠે ગણું એ ગણે બારે;

એ નબળી, હું જબરો ગુમાની રે; – ચાલી મારીo ૪

હું લટખટ, ઉત્સાહી ને પ્રેમી; એ ઢીલી ને વ્હીલી, વળી વ્હેમી;

જાણે સિંહગળે બકરી બંધાણી રે; – ચાલી મારીo પ

ભુલકણી એ ભોળી પડી માથે, ન સેંકડે દસ પગલાં લે સાથે;

સામો લે મને પાછળ તાણી રે; – ચાલી મારીo ૬

ન ઘરનું, ન બ્હારનું સુખ બેને, મને બહુ હોંસ, ન જરી એને;

બળી મરિયે ધણીધણિયાણી રે; – ચાલી મારીo ૭

આ ઘર હું તો ઘોરસમું માનું, બ્હાર ન્હાસું કંઈક કરી બ્હાનું;

બળી બેમુખી જિંદગાની રે; – ચાલી મારીo ૮

હશે, હવે બોલવે શું સુધરે? લખ્યા લેખ છઠ્ઠીના ન ફરે;

હૈડું જાણે વાત હૈડાની રે; – ચાલી મારીo ૯

પેલા ભવના પાપ હશે નડતાં, વેઠું દુઃખ આવાં હડહડતાં;

જીવું ખાતર બચ્ચાંની રે; – ચાલી મારીo ૧૦

દુઃખી હું તુજ દુઃખથી ઝાઝો, મારા પછી, પ્રિયા! સુખી થાજો;

રાંક મારી ઘરરાજરાણી રે! – ચાલી મારીo ૧૧

નથી કોઈ સાસુ નણંદ તારે, રહે પડી તેને આધારે;

નથી જેઠ કે જેઠાણી રે; – ચાલી મારીo ૧ર

રખે કોઈ મુજ મોતે મરતું, સ્વભાવ પિછાણ્યા વિના વરતું;

આયુષ્યકેરી કરશે હાનિ રે; – ચાલી મારીo ૧૩

શીખી ભણી પરણે લોક ઘણા, જાતિ અનુભવની હોય મણા,

શીખ્યું ભણ્યું સહુ ધૂળધાણી રે; – ચાલી મારીo ૧૪

જાતિ અનુભવની જરૂર ભારે, સ્વદેશીઓ એ સમજે ક્યારે?

વિશેષ હિંદુ-હિંદુવાણી રે; – ચાલી મારીo ૧પ

સ્વભાવ, વિચાર ને જ્ઞાન કસી, રહો પ્રિયા પ્રીતમશું રે વસી;

ચિંતા અનાચારની શાની રે? –ચાલી મારીo ૧૬

થનારાં કર્મ તે તો થાશે, ભલે રહે જઈ દૂર આકાશે. –

પરસ્પર રહી અજ્ઞાની રે; – ચાલી મારીo ૧૭

પ્રથમથી સમજી લ્યો ત્યારે, પરણ્યા પછી પસ્તાવું ભારે;

પીડા મોટી એ બે માની રે; – ચાલી મારીo ૧૮

છતાં હાલ મારો જો કોનો થાય, સમજી પરણ્યા પછી પણ સપડાય;

સમજ શિક્ષા ભવ પ્હેલાની રે; – ચાલી મારીo ૧૯

લગ્ન પણ જન્મ મરણ જેનું, પરસ્પરનું લેહેણું દેવું;

બાજી એ પણ છે પાસાની રે! – ચાલી મારીo ર૦

રસપ્રદ તથ્યો

કવિની નોંધ : એક જૂવાન રજપૂતની સાંસારિક સ્થિતિ ઉપરથી.

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000