gunanun kajoDun athwa wahemi strinun warnan - Garbi | RekhtaGujarati

ગુણનું કજોડું અથવા વહેમી સ્ત્રીનું વર્ણન

gunanun kajoDun athwa wahemi strinun warnan

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
ગુણનું કજોડું અથવા વહેમી સ્ત્રીનું વર્ણન
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

ગરબી

(સમછક્કો)

કેવું કજોડું તે કહેવાય, દેશી કહોને તમે, કેવું આ. ટેક.

પુરુષ તો ભણ્યો ને ગણ્યો છે ઘણો! ગુમાની આ;

સ્ત્રીથી ના સ્વભાષા શુદ્ધ બોલાય. દેશીo

ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ઘૂમે છે;

બાઈનું તે ચિત્ત ચૂલામાંહ્ય. દેશીo

પુરુષ પ્રવીણ પૂરો પુસ્તકો રચે છે;

પેલીથી પત્ર વંચાય. દેશીo

ભાઈ તો સ્વદેશ સુધારવા મથે છે;

બાઈ કહે ‘હું જોઉં શી રીતે થાય.’ દેશીo

પુરુષ ધૂર્ત ઢોંગીના ઘાટમાં ફરે છે;

તે તો ઘેર પેલીથી પૂજાય. દેશીo

ભાઈ તો સભામાં જઈ સુભાષણો આપે;

બાઈ જઈ રાજવીઓ ગાય. દેશીo

પુરુષ તો પધારે સુધારાની મંડળીમાં;

પેલી પાપી મંડળીમાં જાય. દેશીo

ભાઈ તો નસીબનો નકાર કરે મંડળથી;

બાઈ તો ગરોડા પૂંઠે જાય. દેશીo

પુરુષ તો પવિત્ર પરમ ઈશને પૂજે;

ગોવાળની ગલીચી પેલી ચાહ્ય. દેશીo

ભાયડો ભૂલથીએ ભૂંડું કદી ભાખે;

ભૂંડણી વિવાહે વિષ્ટા ખાય. દેશીo ૧૦

દેશીઓ દોષ દેશો, જો કદી બાપડો;

હારી કરે પીડા વિદાય. દેશીo ૧૧

છેક જ્યાં આવી રીતભાત મતિ જુદી છે;

પ્રીત તે શી રીતે કે બંધાય ? દેશીo ૧ર

વાત શું કરે ને અરે ચિત તે શું કરે?

એક એકને જ્યાં સુહાય. દેશીo ૧૩

ચાલતા વહેવારની તો વાત તજવી;

એણે રણસ્તંભ રે રોપાય. દેશીo ૧૪

વિદ્યાના વિનોદકેરી વાત કદી કહાડે;

વ્હીલું વ્હીલું પેલી જોય ત્યાંહ્ય. દેશીo ૧પ

વર્તમાનની વાત એને નહિ ગોઠે;

એની તો જુદી છે દુનિયાય. દેશીo ૧૬

અને ઝોડઝપટની, કે કામણટૂમણની વાત;

કે કૂટવા જવાની રે સદાય. દેશીo ૧૭

તો જાણે ખાવું પીવું પહેરવું ને ઓઢવું;

કે નજર ઉતારના ઉપાય. દેશીo ૧૮

ઝાઝું શું કહેવું રે થોડું લખે ધણું માનજો;

અભણુ વ્હેમી મૂરખની રાય. દેશી. ૧૯

વયનું રે કજોડું કદી હોય, હાય હાય થઈ;

ભૂંડું ભૂડું ભૂંડું બહુ ભણાય. દેશીo ર૦

રૂપનું કજોડું પણ વિરુપ રે મનાય છે;

ગુણનું કજોડું ના ગણાય? દેશીo ર૧

કેમ રે લગાર કંઈ વિચાર કરો, નાર નહિ કે;

નરથી કજોડું કેમ વેઠાય? દેશીo રર

ગુણનું કજોડું સર્વથી સંસારમાં,

લાહ્ય જેની ના કદી હોલાય. દેશીo ર૩

લાવ લાગી રહી છે ઠામઠામ નવલરામ;

આંખ જો ઉધાડો તો દેખાય. દેશીo ર૪

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39