kajoDun –swbhawanun - Garbi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કજોડું –સ્વભાવનું

kajoDun –swbhawanun

બેહેરામજી મેરવાનજી મલબારી બેહેરામજી મેરવાનજી મલબારી
કજોડું –સ્વભાવનું
બેહેરામજી મેરવાનજી મલબારી

(ગરબી)

ચાલી મારી ઝુફતી જુવાની રે,

પચીસે વળતાં પાણી રે; ચાલી. (ટેક)

કજોડાંનાં દુઃખનો આરો રે, વાંક નથી એનો કે મારો રે;

સમજુ હું છું, પણ શાણી રે; ચાલી મારીo

સ્વભાવમાં ફેર ઘણો મ્હોટો, બન્નેનો તેથી જન્મ ખોટો;

સુણો કજોડાંની કહાણી રે; ચાલી મારીo

પરણ્યાં અમે રાજીખુશી થઈને, એકેકની સમ્મતિ લઈને;

જરીયે આનાકાની રે; ચાલી મારીo

પણ ધીરી, હું ઉતાવળો ભારે; હું સાઠે ગણું ગણે બારે;

નબળી, હું જબરો ગુમાની રે; ચાલી મારીo

હું લટખટ, ઉત્સાહી ને પ્રેમી; ઢીલી ને વ્હીલી, વળી વ્હેમી;

જાણે સિંહગળે બકરી બંધાણી રે; ચાલી મારીo

ભુલકણી ભોળી પડી માથે, સેંકડે દસ પગલાં લે સાથે;

સામો લે મને પાછળ તાણી રે; ચાલી મારીo

ઘરનું, બ્હારનું સુખ બેને, મને બહુ હોંસ, જરી એને;

બળી મરિયે ધણીધણિયાણી રે; ચાલી મારીo

ઘર હું તો ઘોરસમું માનું, બ્હાર ન્હાસું કંઈક કરી બ્હાનું;

બળી બેમુખી જિંદગાની રે; ચાલી મારીo

હશે, હવે બોલવે શું સુધરે? લખ્યા લેખ છઠ્ઠીના ફરે;

હૈડું જાણે વાત હૈડાની રે; ચાલી મારીo

પેલા ભવના પાપ હશે નડતાં, વેઠું દુઃખ આવાં હડહડતાં;

જીવું ખાતર બચ્ચાંની રે; ચાલી મારીo ૧૦

દુઃખી હું તુજ દુઃખથી ઝાઝો, મારા પછી, પ્રિયા! સુખી થાજો;

રાંક મારી ઘરરાજરાણી રે! ચાલી મારીo ૧૧

નથી કોઈ સાસુ નણંદ તારે, રહે પડી તેને આધારે;

નથી જેઠ કે જેઠાણી રે; ચાલી મારીo ૧ર

રખે કોઈ મુજ મોતે મરતું, સ્વભાવ પિછાણ્યા વિના વરતું;

આયુષ્યકેરી કરશે હાનિ રે; ચાલી મારીo ૧૩

શીખી ભણી પરણે લોક ઘણા, જાતિ અનુભવની હોય મણા,

શીખ્યું ભણ્યું સહુ ધૂળધાણી રે; ચાલી મારીo ૧૪

જાતિ અનુભવની જરૂર ભારે, સ્વદેશીઓ સમજે ક્યારે?

વિશેષ હિંદુ-હિંદુવાણી રે; ચાલી મારીo ૧પ

સ્વભાવ, વિચાર ને જ્ઞાન કસી, રહો પ્રિયા પ્રીતમશું રે વસી;

ચિંતા અનાચારની શાની રે? –ચાલી મારીo ૧૬

થનારાં કર્મ તે તો થાશે, ભલે રહે જઈ દૂર આકાશે.

પરસ્પર રહી અજ્ઞાની રે; ચાલી મારીo ૧૭

પ્રથમથી સમજી લ્યો ત્યારે, પરણ્યા પછી પસ્તાવું ભારે;

પીડા મોટી બે માની રે; ચાલી મારીo ૧૮

છતાં હાલ મારો જો કોનો થાય, સમજી પરણ્યા પછી પણ સપડાય;

સમજ શિક્ષા ભવ પ્હેલાની રે; ચાલી મારીo ૧૯

લગ્ન પણ જન્મ મરણ જેનું, પરસ્પરનું લેહેણું દેવું;

બાજી પણ છે પાસાની રે! ચાલી મારીo ર૦

રસપ્રદ તથ્યો

કવિની નોંધ : એક જૂવાન રજપૂતની સાંસારિક સ્થિતિ ઉપરથી.

સ્રોત

  • પુસ્તક : મલબારીનાં કાવ્યરત્નો (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ફિરોઝ બેહેરામજી મેહેરવાનજી મલબારી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000