ballagnman tamam nuksanno upsanhar - Garbi | RekhtaGujarati

બાળલગ્નમાં તમામ નુકસાનનો ઉપસંહાર

ballagnman tamam nuksanno upsanhar

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
બાળલગ્નમાં તમામ નુકસાનનો ઉપસંહાર
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

(ગરબી)

(સપ્તચોકા)

હાંરે નામ બાળલગનનું બાળો!

બાળો કે ખાડમાં ઘાલો રે! નામ બાળo

બાળલગનતું નામજ સુણતાં, આવે મને કંટાળો રે; નામo

બાળલગનનું દુઃખ દેખીને, દેશ થઈ ગયો કાળો રે; નામo

બાળ બિચારું શું સમજે એમાં? ઠાઠ શો માંડ્યો ઠાલો રે; નામo

દૈવ ઉપર શીદ દોષ મૂકો છો? પ્રકૃતિ વિરુદ્ધ ચાલે રે; નામ.

બાળલગનની ભૂંડી રુઢી આંખ ઉઘાડી ભાળો રે; નામo

ભૂંડી રંડાએ સૂકવી નાખ્યો, સુંદર દેશ રસાળો રે; નામo

બાળલગનથી તે બાળક-બળનો, પાયો પૂર્ણ પ્રજાળ્યો રે; નામo

ઉદ્યમ હોંસ પરાક્રમ આદિ, સ્હેજે બળી ગઈ ડાળો રે; નામo

બાળલગનથી તો વિદ્યાવૃદ્ધિનો, મારગ મૂળથી ખળ્યો રે; નામo

“ભટ્ટ ભષ્યા તો કે પરણ્યા છીએ, ધનમાં ઊભી ધાડો રે”; નામo.

બાળલગને બળબુદ્ધિ હરીને, સુખનો સંભવ ટાળ્યો રે; નામo

હુન્નરકળામાં પાછળ પાડી, પૈસો વિલાતે વાળ્યો રે; નામo

બાળલગનથી હોય કજોડા, દુઃખ દુઃખ જેમાં હજારો રે; નામo

બાળલગને હડહડતો આણ્યો, કળજુગ કાળ કરાળો રે; નામo

બાળકનાં માબાપ બને છે, બાર વરસનાં બાળો રે; નામo

બાળલગને તો ઢીંગલા ઢીંગલી, સરખાં બન્યાં નરનારો રે; નામo

ભર જોબનમાં ઘડપણ આણ્યું, આણ્યો મરણનો વારો રે; નામo

બાળલગને બન્યો બળહીન બીકણ, આપણો સઘળો રસાળો રે; નામo

બાળલગને અરે બાયલો કીધો, ભરતનો ખંડ યશાળો રે; નામo

બાળલગને દુઃખ સકળનું મૂળજ, કળિજુગ વિચારો રે; નામo

બાળલગને તજી, નવલ સ્વજન સૌ, દેશને ડૂબતો તારો રે; નામo

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39