walni goonch - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાળની ગૂંચ

walni goonch

મનીષા જોષી મનીષા જોષી
વાળની ગૂંચ
મનીષા જોષી

સોનાની વેણીથી મારા વાળ સજાવતા

સુંદર, શાશ્વત નરેશો ક્યારેય

વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.

તું રક્તપીત્તિયો રોગી હોય તો પણ આવ.

એક કાંસકો લઈને મારા વાળ ઓળ.

હું તને ગંગામાં સ્નાન કરાવીશ.

ચંદનના લાકડા પર સૂવડાવીને

શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.

તારા માટે વિલાપ કરીશ.

શ્વેત વસ્ત્રો પહેરીશ.

જમીન પર સૂઈશ.

પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.

મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.

કોઈ પુત્રને જન્મ નથી આપવો.

કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.

જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો

મારે મરી જવું છે.

ક્યારેય જન્મી હોઉં એવી રીતે.

ભાવતા અન્નને થૂંકી નાખવું છે.

આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ.

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996