karoDrajju - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરોડરજ્જુ

karoDrajju

મનીષા જોષી મનીષા જોષી
કરોડરજ્જુ
મનીષા જોષી

મને યાદ આવે છે ઘરની.

જ્યાં હું ખૂબ જીવી હતી ક્યારેક.

મારા પતિ હવે હયાત નથી.

પણ એમણે ગૂંથેલાં સુંદર જાળાંઓમાં રહેતા

કરોળિયાઓ હજી જીવે છે ત્યાં.

ધૂળથી લથબથ, ઘરને સાફ કરવું છે.

ભીનું પોતું લઈને ફર્શને ચમકતી કરવી છે.

મારો ચહેરો જોવો છે એમાં.

અને ચહેરાની બાજુમાં સૂતેલી

એમની મજબૂત ભરાવદાર પીઠ જોવી છે.

મને શ્રદ્ધા છે,

આવતા જન્મમાં મારા પતિ હશે.

અને હું એમની પત્ની.

પણ હું ઓળખીશ એમને?

કે ઓળખશે મને?

કેવી રીતે?

નહીં, હું તો અત્યારે એમના હાડપિંજરમાં

માંસ-પેશીઓ-લોહી ભરીને એમને જીવતા કરીશ.

મારા પ્રિયતમ!

‘જીવ'ના બધા અવતારોમાં હું તમને કલ્પી રહી છું.

જમીન પર સૂતેલા શિવની પીઠ પર

પાર્વતી નૃત્ય કરી રહી છે.

મને પણ તમારી કરોડરજ્જુ પર ચાલવું છે.

તમે આવો.

આપણાં ઘરનાં બારી-બારણાં ખોલો.

આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો.

તમે આવો.

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996