પહેલી યાત્રા
Paheli Yatra
ચન્દ્રકાન્ત ટોપીવાળા
Chandrakant Topiwala

ફરી ક્યારેય અહીં પાછા નથી આવવાનું,
એ વાત ચોક્કસ છે.
હા, હજી એ ચોક્કસ નથી કે ક્યાં જવાનું છે!
સાથે કાંઈ લઈ જવાનું પણ નથી.
બિલકુલ ના છે!
ત્યારે બીજું કરી પણ શું શકાય?
પડશે એવા દેવાશે, આગે આગે ગોરખ જાગે
કદાચ તેથી જ હું સાવ હળવોફૂલ છું.
ભાર વગરની આ યાત્રાનો આનંદ જ કંઈ ઓર છે.
કોઈ તિથિ નહીં
કોઈ તારીખ નહીં
કોઈ ચોઘડિયું નહીં
બસ, નીકળી પડવાનું
ન કોઈ યોજના
ન કોઈ નકશો
ન ચિઠ્ઠીચપાટી
ન વાટખર્ચીં
કોઈ આંગળીના ઇશારે કહેશે કે ચાલો
એટલે ગંગાનો એક ઘૂંટ લઈ
મોંમાં તુલસીનું પાન દબાવી
ફૂલોના ગજરા ને સફેદ વસ્ત્રો ફરકાવતાં
બસ ચાલી નીકળવાનું.
વાહ રે વાહ
આવી બોજ વગરની તો
આ કદાચ મારી પહેલી યાત્રા હશે!



સ્રોત
- પુસ્તક : કાલવેગ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2024