wriksh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાહનો આવતાં જોઈ

વૃક્ષોએ વનમાં

રસ્તો કરી આપ્યો

પણ હવે

આઘાં ખસી શકશે નહિ,

સડકની બંને બાજુએ

ખાઈ ખોદેલી છે.

*

વૃક્ષને છેદો તો

એમાંથી નીકળે વૃક્ષ,

વૃક્ષને કાપો ને

રોપાઈ જાય વૃક્ષ;

વૃક્ષને બાળો ત્યાં

ઊગી જાય વૃક્ષ.

*

વૃક્ષ,

હું અહીં ઊભો છું.

તું કંટાળી ગયું હોય તો

પેલી ખિસકોલીને

મારા શરીર પર

સંતાકૂકડી રમવાનું કહે.

*

હું બેઠો છું

વૃક્ષનું ખોડીબારું પલાણીને,

ને વૃક્ષ તો

ઊંચે વધતું જાય છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981