wahwayan - Free-verse | RekhtaGujarati

વહવાયાં

wahwayan

નીરવ પટેલ નીરવ પટેલ
વહવાયાં
નીરવ પટેલ

...એ મશાલો સળગી ભાગોળે,

...એ ઢોલ વાગ્યું,

...એ ટોળું આવ્યું,

...એ ધારિયાં, ભાલાંનાં ફળાં ચમકે.

...એ ધૂળના ગોટા ઊડ્યા અંકાશ...

લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો,

લ્યા ધાડ પડી, લ્યા ભાગો.

અલ્યા ઝેણિયા ઝાડ ઉપર ના ચઢો,

તો એક ઝાટકે થડ હોતું ને ‘ચું.

લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.

હાળા ખાડામાં ના હંતા’તા.

નહિ તો લ્યા ધરબઈ જ્યા હમજો.

લ્યા, કૂવાનું ઢાંકણું કુણ ઢાંકે...

નહિ તો બધાં ઊંચાં કરીને ડફા ડફ પાણીમાં.

લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો,

ન’તો કે’તો પંછાયો ના પાડો

ન’તો કે’તો કોરેમોરે હેંડોં

માળાં માને નહિ

શેરમાં કોપ ચા પીધો કે જાણે હઉ હરખાં!

લ્યા આયા, લ્યા આયા, લ્યા આયા.

લ્યા ભાગો, લ્યા ભાગો, લ્યા ભાગો.

મારી ડોશી, લ્યા મારી ડોશી, લ્યા ડોશી

ડોશી ભાગ, તારો બાપ પડ્યો પછવાડ

ધોડ ડોહા ધોડ,

તારો કાળ પડ્યો તારી પૂંઠે

લ્યા બાયડી

માળી ચ્યાં થઈ ગાભણી અટાણે

હેંડ હાહુ હેંડ

નહિ તો પેઢામાં લાત ભેળાં હેઠાં

તું તારો મેઠિયો ગરભ.

અલ્યા... બચારી બલાડી...

રોઈરોઈને મરી જાહે

લ્યા માળા’ તમે તો મને મારી નંખાવશો...

હાળા, કાળિયા તારા કાળ હાંમું ચ્યાં ધોડ્યો

હાળા ધોડ મારી પૂંઠે પૂંઠે,

પૂંછડી ગાંડમાં ઘાલી કાઢ હડી.

ધોડો લ્યા ધોડો ધોડો

...એ માળાં વરુ તો ધોડી પૂગ્યાં

લ્યા માર્યા, લ્યા માર્યા, લ્યા માર્યા,

લ્યા માર્યા, લ્યા માર્યા, લ્યા માર્યા.

રે’વા દો બાપલા, રે’વા દો બાપલા,

રે’વા દો જોરૂભા,

રે’વા દો જટાજી,

રે’વા દો કાંતિભઈ,

અમે તમારી ગાય બાપા,

અમે તમારાં છોરાં બાપા,

અમે તમારાં વહવાયાં બાપા.

રહેવા દો બા...પ...લા...આ...

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006