waDo - Free-verse | RekhtaGujarati

એણે વર્ષોથી

વાડામાં જીવવાની

મને ફરજ પાડી છે.

મેં કદી એનો વિરોધ નહોતો કર્યો.

આજે સમયના શિલાલેખ પર

મારી ઉચ્છૃંખલ અભિવ્યક્તિઓ આલેખાતી જોઈને.

કહે છે, ‘તારી કવિતા એક વાડો છે’

હું અપલક નજરે

એના ચહેરા પર વિસ્તરેલા

થોરનાં ઝુંડ નિહાળું છું.

થાય છે.

કમ સે કમ હું રણ હોત

તો એનો ઉચ્છ્વાસ મને આટલો દઝાડી શકત.

ને વાંઝણીના મૃગજળ

મારી કૂખમાં ઉગાડી શકત

અથવા તો ઝેરી દુર્ગંધયુક્ત દૂધ હતો

એની નસોમાં બેરોકટોક વહી શકત અનંત કાળ લગી

ને બધાનું લોહી લાલ હોવાના

ક્ષણભંગુર પુરાવા ઊભા કરવાની માથાકૂટમાંથી બચી શકત.

પણ હું બન્યો માણસ

ઉન્નત મસ્તક

આકાશ અને પૃથ્વી વચ્ચે ફેલાયેલા

શૂન્યાવકાશને ચીરતો અવાજ

જેના રુદનથી ભય પામ્યો

ને હાસ્યથી ક્ષોભ

વાડા બંધી સામેની મારી લડતને

પડકાર સમજ્યો પોતાના અસ્તિત્ત્વ સામેનો

ને ફરી મને વાડામાં પૂર્યો

થોરનાં ઝુંડ સાફ કરવા ઊઠેલા મારા હાથને

હવે હું કેમ કરીને કહું, માણસને ખાતર તું જરા થોભ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010